ગાંધીજીને પત્ર
પ્રતિ,
શ્રી મહાત્મા ગાંધી,
સાબરમતી આશ્રમ,
અમદાવાદ
વિષય : તમારા સ્વપ્નના ભારતની દશા
પૂજ્ય મહાત્મા,
મારા જીવન રૂપી ઝરણાના પ્રવાહને વહેવા જે બળ આત્મિક રીતે મળ્યો છે તેટલો જ બળ મને તમારા વિચારોથી પ્રાપ્ત થયો છે. તમારી સામાન્ય વાતો પણ મારા જેવા લાખો લોકોને પ્રેરણા આપે છે. મનમાં એક અભિલાષા બાળકની જેમ તમને મળવા ઉછળે છે. સત્ય અને અહિંસાનો જે પાઠ તમે આજના હિંસક યુગમાં શીખવ્યો છે તે અદભુત છે. તમારા રગેરગથી જાણે સત્યની મહેક આવે છે અને સત્ય જ તો પરમાત્મા છે. જીવનમાં એક વાર તો તમારા દર્શનનું સ્વાદ ચાખું તે ભૂખ અંતરમાં જાગવા લાગી છે. રહી વાત મારી ઈચ્છાની, પણ મારું પત્ર લખવાનું મુખ્ય હેતુ તો તમને મારી નજરે દેશની દશાનો સાક્ષાત્કાર કરવાનો છે.તમે કદાચ દેશની દશાથી વાકેફ જ હશો પણ જે હું આસપાસ અનુભવીને લખી રહ્યો છું તે મારા માટે તો અકલ્પનિય છે.મારા વિચાર કદાચ તમારા વિચારની અવગણના કરી લેશે. તમે મારી આ મોટી ભૂલને પણ માફ કરશો તેવી આશા સાથે.
તમે કહેતા કે તમારું સ્વપ્ન દેશને આઝાદ અને આબાદ કરવાનો છે. દેશ આઝાદ તો થયો પણ આબાદ થયો ખરો ? દેશ સામાજિક, આર્થિક ને કદાચ ધાર્મિક રીતે કંગાળ થતો જાય છે. તમારા રચનાત્મક વિચારનો ક્યારેય અહીં અમલ થયો મને તો લાગતું જ નથી. શહેર અને ગામડાનો થોડોઘણો વિકાસ થયો, ઉદ્યોગો શરૂ થયા, શાળાઓ-કોલેજો વધી, શિક્ષણ વધ્યું, અસ્પૃશ્યતા ઘટી ને થોડાઘણા લોકોની આર્થિક સ્થિતિ સુધરી પણ દેશના ગરીબ તથા સામાન્ય માનવીના જીવનમાં કશો જ સુધારો થયો નથી. આપણે આઝાદીના ઘણા દિવસો પછી પણ એવાને એવા જ છીએ.
તમે તો હંમેશા સાદાઈને મહત્વ આપ્યું છે પણ આજના નેતા તો વૈભવી જીવનમાં માને છે. બંગલા-ગાડી ને પ્રજાના પૈસે એશો આરામ કરે છે. નેતાઓ અને કર્મચારીઓ તમારા વિચારો ટેબલ પર મૂકીને, તમારી છબી દીવાલ પર તંગવીને તેની સામે ભ્રષ્ટાચાર કરે છે. સામાન્ય નાગરીક તથા ગરીબ તો જાણે પૈસા વગર દેશમાં હકથી જીવી જ ન શકે. તમે તો હિન્દૂ-મુસ્લિમ એકતા માટે ઉપવાસો કર્યા. પરંતુ આજના રાજકારણીઓએ તો ધર્મ,જાત,કોમ ને સંપ્રદાયનું અભદ્ર રાજકારણ ખેલીને દેશમાં અનેક સમસ્યાઓ ઉભી કરી છે. "સર્વધર્મ સમભાવ" અને "અહિંસા એ જ પરમ ધર્મ" ના તમારા સંદેશા તો પડી ભાંગ્યા છે. બધી જગ્યા એ હિંસા, હિંસા ને ફક્ત હિંસા. ક્યાંક શારીરિક હિંસા તો ક્યાંક માનસિક હિંસા. જાણે દેશના રક્તમાં ભળી ગઈ છે.
હાલમાં, દેશમાં સામાન્ય માણસને પોતાનું કામ કરાવવા પગરખાં ઘસી નાખવા પડે છે, પરંતુ સરકારી ઓફિસોમાં કામ થતું નથી. બધા જાણે સખત પરિશ્રમની ચાદર ઓઢી આરામ કરે છે. જે સમજે છે તે કશુ બોલતા નથી ફક્ત તમાશો જોય છે. તમે કહેતા, પ્રામાણિકતા જ જીવનનો પ્રાણ છે, પણ આજે તો પ્રામાણિક વ્યક્તિને સૌથી પહેલા લૂંટાય છે. તો ક્યાં પ્રમાણિકપણું જીવનમાં દેખાશે. શિક્ષણનું વ્યાપ જાણે ફક્ત આંકડાઓમાં જ દેખાય છે પણ તમારું આપેલું સાચું શિક્ષણ તો દેખાતું જ નથી. ગામડાથી લઈને શહેર બધાની હાલત સરખી જ છે. ફક્ત ચારિત્રથી અહંકારની ધૂળ ઉડે છે ને આપનો નાસમજ સમાજ તેને જ શિક્ષણની ખુશ્બૂ સમજે છે.
સ્વચ્છતાની વાતમાં તો, બધા લોકો હાથમાં ઝાડુ લઈ તો લીધી છે. પણ ગંદકી સાફ કરવાને બદલે માનવતાને સાફ કરી રહ્યા છે. નેતાઓ દેશની સંપત્તિ અને વિચારકો તમારા વિચારને સાફ કરી રહ્યા છે. તમારા કહેવા મુજબ લોકો સ્વચ્છતામાં તો માનવા લાગ્યા છે. હાલમાં લોકો ઘરમાં કચરાનું પ્રમાણ ઓછું અને દેશ તથા પ્રકૃતિમાં કચરાનું પ્રમાણ વધારી રહ્યા છે. કેવા તમારા વિચાર હતા ને શુ આ લોકો તમારા વિચારનું કવચ પહેરીને જીવી રહ્યા છે.
તમે પ્રાર્થનાને ખૂબ મહત્વ આપો છો. પણ આજના લોકો આ વાત પણ ભૂલી ગયા છે. કદાચ તમને આ બધી જ વાતની જાણ હશે. પણ તમારી શિખામણ મુજબ મારી દેશ પ્રત્યે ફરજ પૂર્ણ કરવા તમને દેશની પરિસ્થિતિનું આ પત્રમાં વર્ણન કરું છું. દેશની દશા સાવ કંગાળ છે. ચિંતન યોગ્ય છે. ઈશ્વર સર્વનું સારું કરે ને સદબુદ્ધિ આપે તે આશે પૂર્ણવિરામ મુકું છું.
આભાર.....
Comments
Post a Comment